અખબારી યાદી
આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની સમસ્યા સામે ઝઝુમી રહ્યું છે. આજથી ૫૦ વર્ષ પહેલા ૧૯૭૨ માં આ સમસ્યા પરત્વે લોકો જાગૃત થાય તે માટે દર વર્ષની ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવાનું સ્ટોકહોમ ખાતે મળેલી વિશ્વના મોટા ભાગના દેશોના વડાઓની કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને સન ૧૯૭૪ થી આજ દિન સુધી દર વર્ષે ૫ જુનને “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે મનાવવામાં આવે છે અને લોકોને પર્યાવરણ સંરક્ષણ તરફ જાગૃત કરવા માટે વિશ્વ સ્તરે પ્રયત્નો કરવામાં આવે છે. થોડા વર્ષો પૂર્વે ગાંધીનગર વિશ્વનું સૌથી હરિયાળું પાટનગર કહેવાતું. પરંતુ વિકાસની દોટમાં વૃક્ષો અને હરિયાળી ઘટતાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે ગાંધીનગરને ફરીથી હરિયાળું બનાવવાના ઉદ્દેશ સાથે શહેરના બ્રિજ ગૃપ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા વનશ્રી ટ્રસ્ટ સાથે મળીને વૃક્ષારોપણ અને વૃક્ષનું જતન કરવા માટેની એક ઝુંબેશ શરૂ કરી રહ્યાં છે. જેનો શુભારંભ સરકારી એન્જિનીયરીંગ કોલેજ, સેક્ટર-૨૮ ખાતેથી વૃક્ષારોપણ દ્વારા સવારે ૯.૦૦ કલાકે કરવામાં આવ્યો. આ પ્રસંગે નગરના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ ખાસ ઉપસ્થિત રહેલ હતા. સાથેસાથે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ડાયરેક્ટર શ્રીમતિ મનિષાબહેન શાહ, જિલ્લા કોઓર્ડિનેટર શ્રી પંકજકુમાર મતરેચા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ગાંધીનગર ગ્રીન એમ્બેસેડર શ્રીમતિ અંજના ચૈતન્ય નિમાવત, બ્રિજ ગૃપના શ્રી કૃણાલભાઈ દેસાઈ, શ્રી અર્પણભાઈ દેસાઈ, સરકારી એન્જિનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ શ્રી એન. કે. અરોરા, યુથ હોસ્ટેલના ચેરમેન શ્રી ચૈતન્ય નિમાવત, એન.સી.સી. કેડેટસ, હોમગાર્ડના જવાનો, એન.એસ એસ. ના સ્વયંસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ પ્રસંગે પ્રતિક સ્વરુપે ૫૧ રોપા ઉગાડવામાં આવ્યા હતા. અને ગાંધીનગરમાં વર્ષ દરમ્યાન ૧ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પ્રતિક ભેટ સ્વરૂપે આવેલા તમામ લોકોને રોપા ભેટ આપવામાં આવ્યા હતા.